શિયાળામાં રૂક્ષ અને શ્યામ થઇ જતી ત્વચાનો વર્ણ સુધારવો હોય તો અડધા ભાગે હળદર અને એક-એક ભાગે આમળા તથા કઠના ચૂર્ણને દૂધમાં મેળવી લેપ કરવો.
શિયાળામાં મળતી તાજી, લીલી બે ઔષધિઓ - હળદર અને આંબાહળદર. આ બંને ઔષધિમાં ખોરાકનું પચન કરવાનો, કૃમિનો નાશ કરવાનો, વિષ દૂર કરવાનો, ત્વચાના વર્ણને સારો કરવાનો અને રક્ત શુધ્ધ કરવા જેવા અપ્રતિમ ગુણો રહેલાં છે. હળદર અને આંબાહળદરને ઝીણી સમારી, એમાં લીંબનો રસ અને નમક મેળવી આખો શિયાળો નિત્ય ભોજનમાં ઉપયોગ કરવા જેવો છે. એ સિવાય આ બંને ઔષધિના ચૂર્ણો સ્વચ્છ કાચની શીશીમાં ભરી ઘરમાં વસાવી રાખવા લાયક છે.
હળદરના ઉપયોગો
(૧) હળદરમાં કર્ક્યૂમેન નામનો ટરપેન છે જે કોલેસ્ટેરોલને ઘટાડવાનું કામ કરે છે.
(૨) ડાયાબીટીસમાં લાંબા સમય સુધી પ્રાત:કાળે સરખા ભાગે (આશરે પાંચ-પાંચ ગ્રામ હળદર અને આમળાના ચૂર્ણનું સેવન ઠંડા પાણી સાથે કરવા યોગ્ય છે.
(૩) સફેદ દાગમાં ગૌમૂત્રના અર્ક (દસ મી.લી.) સાથે હળદર (પાંચ ગ્રામ) મેળવી લાંબા સમય સુધી લેવાથી સારૂ પરિણામ મળે છે. ઉપર જણાવેલો આ યોગ ત્વચાના સર્વ પ્રકારના વિકારો જેવા કે ખંજવાળ, ખસ, દાદર, ખરજવુ અને ગૂમડા પર સારૂં પરિણામ આપે છે.
(૪) કફવાળી ઉધરસ અને શરદી, સસણી અને ઉટાંટિયું (whooping cough) માં લીલી હળદરનો રસ એક ચમચી (આશરે પાંચ મી.લી.) મધ સાથે મેળવી ચાટવાથી રાહત મળે છે.
(૫) કાકડાના સોજામાં શ્વાસનળીના સોજામાં ગરમ દૂધમાં હળદર અને મરી મેળવી લેવાથી લાભ થાય છે.
(૬) મૂઢમાર - આઘાતથી આવેલો સોજો હોય કે સંધિવાને કારણે આવેલો સોજો. દેશી નમક અને હળદરને સરખા ભાગે ઉકળતા પાણીમાં ખદખદાવી લેપ લગાવી રાખવાથી (લેપ કુદરતી રીતે સુકાય ત્યાં સુધી રહેવા દેવો) ગણતરીના કલાકમાં સોજો ઊતરી જાય છે. જરૂર પડે એકાદ વખત અને સળંગ ચાર-પાંચ દિવસ સુધી આ પ્રયોગ કરી શકાય.
(૭) શિયાળામાં રૂક્ષ અને શ્યામ થઇ જતી ત્વચાનો વર્ણ સુધારવો હોય તો અડધા ભાગે હળદર અને એક-એક ભાગે આમળા તથા કઠના ચૂર્ણને દૂધમાં મેળવી લેપ કરવો. ત્વચા પર આ લેપ વીસથી પચીસ મિનિટ રાખી ટોયલેટ સોપથી ત્વચા સાફ કરી લેવી.
(૮) રાત્રિ કાળ દરમ્યાન થતી એલર્જીજન્ય ખાંસી કે જે અટકવાનું નામ ન લેતી હોય - એમાં હળદરના ગાંગડાને બાળી, એની રાખ ઘી સાથે ચાટવાથી ખાંસી તુરંત બેસી જાય છે અને રાહત થાય છે.
(૯) હળદરમાં રહેલો કર્ક્યૂમીન (C21H2oO6) નામનો રંજક પદાર્થ એક ઉત્તમ વિષવિરોધી ગુણ ધરાવતું એન્ટિસેપ્ટીક તત્વ છે. સડતા ઘા, ઊંડા વ્રણ અને પાકતા ગૂમડા પર કાળા તલના તેલમાં મેળવી એનું ડ્રેસીંગ કરી શકાય. ઋતુ પરિવર્તનને કારણે થતાં વાઇરલ ઈન્ફેકશન સામે પણ હળદરમાં રહેલું કર્કયૂમીન સારૂં રક્ષણાત્મક કાર્ય કરી શકે છે.
(૧૦) હળદરના ઉપયોગમાં માત્ર વિવેક રાખવો. એટલે કે વધુ પડતી હળદર ફાકવાથી બંધકોષ કે કબજિયાત થઇ શકે છે.
આંબાહળદર :
કંદ સ્વરૂપની આ વનસ્પતિની ગંધ આંબાને મળતી હોઇ અને ગુણ મહદ્ અંશે હળદરને મળતા હોઇ એને આંબાહળદર કહેવાય છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો શિયાળા દરમ્યાન ભોજન સાથે આનો ઉપયોગ છૂટથી કરે છે. જંગલી આંબાહળદર એ આંબાહળદરની બીજી એક જાત છે.
એની વિષજન્ય અસરને કારણે, ખાવાના ઉપયોગમાં લેવાતી નથી. ખાઇ શકાય એવી આંબાહળદરની ઓળખ તેનો પીળાશ પડતો સફેદ રંગ અને એમાં રહેલી આંબાના મ્હોર જેવી તીવ્ર ગંધ છે. જંગલી આંબાહળદરમાં આવી વિશિષ્ટ ગંધનો અભાવ હોય છે.
આંબાહળદરના ઉપયોગો :
(૧) આંબાહળદરનો ગુણ શરીરમાં કોઇપણ ભાગમાં જામી ગયેલા લોહીને વિખેરવાનો છે. મૂઢમાર, ચોટ, આઘાતને કારણે આવેલા સોજામાં આંબાહળદરનું સેવન કરવાથી ફાયદો થાય છે.
(૨) આંબાહળદર અને મેદાલાકડીને સરખા ભાગે મેળવી ગરમ પાણીમાં ખદખદાવી લેપ કરવાથી તૂટેલા હાડકા જલ્દી સંધાય છે. મચકોડ પર પણ આનો લેપ કરી પાટો બાંધી રાખવાથી સારૂ થાય છે.
(૩) રક્તની જમાવથી થયેલી ગાંઠો હોય કે આંખની આંજણી, સડતા નખહોય કે હાડકાનો ક્ષય (BONE-TB), દાંતનો સડો હોય કે પરૂ ભરાઇને સૂજી ગયેલાં પેઢાં (પાયોરિયા) જેવાં અગણિત રોગો પર આંબાહળદરનું ધૈર્યપૂર્વક સેવન નિશ્ચિત ફાયદો કરે છે.
(૪) પરસેવામાંથી દુર્ગંધ આવતી હોય તો બે થી અઢી ગ્રામ જેટલું આંબાહળદરનું ચૂર્ણ સરખા ભાગે સાકરનું ચૂર્ણ મેળવી પાણી સાથે સવારે હાજત જઇ આવ્યા પછી લેવું. એની ઉપર બે નંગ ઇલાયચી (ફોતરા સાથે) ખૂબ ચાવી-ચાવીને લેવી. આ પ્રયોગ ત્રણથી ચાર મહિના સુધી ચાલુ રાખવો.
0 Comments