બીસીસીઆઇની પ્રતિષ્ઠિત ટી2૦ લીગ આઇપીએલની 13મી સિઝન માટે આજે હરાજી યોજાશે. જેમાં તમામ ફ્રેન્ચાન્ઝીઓ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝના સ્ફોટક ક્રિકેટરો ઉપર બોલી લગાવવામાં ચોકસાઇપૂર્વકનું વિશેષ ધ્યાન રાખશે. પરંતુ હરાજીમાં કેટલાક યુવા ખેલાડીઓ પણ બાજી મારી શકે છે. આઇપીએલની 13મી સિઝનનું મહત્ત્વ વધારે છે. કારણ કે 202૦ના વર્ષમાં ઓસ્ટ્રેલિયા ખાતે આઇસીસીનો T20 વર્લ્ડ કપ પણ રમાવાનો છે. તમામ ફ્રેન્ચાઇઝી ઓછી કિંમતે મેચવિનર ખેલાડી ખરીદવાનું વધારે પસંદ કરશે અને તેઓ પોતાના ખર્ચમાં કાપ પણ મૂકી શકે છે. આઇપીએલની હરાજી માટે ૩૩2 ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરાયું હતું. જેમાં 186 ભારતીય અને 146 વિદેશી ક્રિકેટરો છે.

હરાજીના ગ્રૂપમાં સૌથી યુવા ખેલાડી અફઘાનિસ્તાનનો નૂર એહમદ છે જેની વય 14 વર્ષ 35૦ દિવસ છે. ડાબોડી ચાઇનામેન બોલરની બેઝ પ્રાઇસ ૩૦ લાખ રૂપિયાની છે અને તે આ લીગમાં રાશિદ ખાન તથા મોહમ્મદ નબી સાથે સામેલ થઇ શકે છે. તાજેતરમાં તેણે ભારત સામે અંડર-19 વન-ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને નવ વિકેટ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેટલાક સભ્યોએ 2019ની આઇપીએલથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ ઓક્ટોબરમાં ઘરઆંગણે રમાનારા ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેઓ 2020ની સિઝનમાં રમવા માટે તૈયાર થયા છે. મિચેલ સ્ટાર્કે 13મી સિઝનમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, જોશ હેઝલવૂડ, ક્રિસ લીન તથા મિચેલ માર્શની બેઝ પ્રાઇસ બે કરોડની છે. અને તેઓ જંગી કિંમતે કરારબદ્ધ થાય તેવી પૂરી સંભાવના છે. વિદેશના છ એવા ક્રિકેટર છે જેની ઉપર તમામ ફ્રેન્ચાઇઝીની નજર રહેશે.

વન-ડે વર્લ્ડ કપના કારણે ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ 2019ની આઇપીએલથી દૂર રહ્યો હતો. લગભગ બે મહિના સુધી મેન્ટલ હેલ્થના કારણે તેણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. તે ક્રિકેટમાં પાછો ફર્યો છે અને પૂરી આઇપીએલમાં રમશે. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં વન-ડે શ્રેણી રમશે પરંતુ મેક્સવેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. 2018માં દિલ્હી કેપિટલ્સે તેને નવ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ઇંગ્લેન્ડના આક્રમક ઓપનિંગ બેટ્સમેને જેસન રોય ઉપર તમામ ફ્રેન્ચાઇઝીની નજર રહેશે. 29 વર્ષીય રોયે પોતાના ઘરઆંગણે રમાયેલા 2019ના વર્લ્ડ કપમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા અદા કરી હતી. વર્લ્ડ કપની સાત ઇનિંગ્સમાં રોયે 62.28ની એવરેજથી કુલ 443 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં તેણે કુલ 51 બાઉન્ડ્રી તથા 12 સિક્સર ફટકારી હતી. 2018ની સિઝનમાં તે દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો અને 91ના હાઇએસ્ટ સ્કોર સાથે 120 રન બનાવ્યા હતા.