વર્ષ 2019 નો છેલ્લા મહિનો ચાલી રહ્યો છે. નવા વર્ષ 2020 ના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. દરેક પાછલું વર્ષ કંઇક આપીને જાય છે અને આવનાર વર્ષ કંઇક લઇને આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલે તેની ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ બંધ કરી દિધી છે. તો જાણીએ 2019માં બંધ થનારી ગૂગલની પ્રોફેક્ટ્સ અને સેવાઓ વિષે…

Google Cloud Messaging: ડેવલપર્સ ગૂગલ ક્લાઉડ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા સર્વર અને ક્લાયંટ વચ્ચે મેસેજ કરી શકતા હતાં. જોકે મેસેજ સર્વિસ ફક્ત એન્ડ્રોઇડ અને ક્રોમ પર જ ઉપલબ્ધ હતી. તેને હવે બંધ કરી છેે.

Chromecast Audio: ગૂગલે 2015માં ક્રોમકાસ્ટ ઓડિયોની શરુઆત કરી હતી. આ ડિવાઇસ દ્વારા, કોઈપણ ડિવાઇસના ઇનપુટ દ્વારા કોઈપણ સ્પીકર પર ઓડિયો ફાઇલ પ્લે કરી શકાતી હતી.

Google URL Shortener: 2019 ની શરૂઆતમાં, ગૂગલે તેની URL ને શોર્ટ કરતી સાઇટ બંધ કરી દીધી છે. ગૂગલ યુઆરએલ શોર્ટનરથી કોઈપણ મોટી લીંક (યુઆર)ને શોર્ટ કસ્ટમ URLમાં કન્વર્ટ કરવામાં આવતી હતી.

Google Allo: ગૂગલે તેની લોકપ્રિય એપ્લિકેશન ગૂગલ એલો બંધ કરવાનું નક્કી કર્યું છે. ગૂગલે વર્ષ 2018થી જ એલો એપમાં રોકાણ કરવાનું બંધ કરી દીધું હતું. ગત માર્ચમાં તેને બંધ કરી દેવાઇ હતી. આ એપને 2016 માં શરૂ કરવામાં આવી હતી.

Google+: 8 વર્ષ પછી ગૂગલે તેના સોશિયલ પ્લેટફોર્મ ગૂગલ પ્લસને બંધ કરી દીધું છે. ફેસબુક સહિતના સોશિયલ મિડીયા સામે હાંફી ગયેલી આ સર્વિસને છેવટે ગૂગલે નહીં ચલાવવા નિર્ણય કર્યો હતો.

YouTube Gaming: વર્ષ 2015 માં યુટ્યુબ ગેમિંગ પણ શરૂ કરાઈ હતી. તે ઓનલાઇન લાઇવ ગેમિંગ પ્લેટફોર્મ હતું, પરંતુ લોકપ્રિયતાના અભાવે તેને પણ બંધ કરવામાં આવ્યું છે.

Areo: આ એપ બે વર્ષ પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ લોકોને તે બહુ ગમી નહીં. આ એપ્લિકેશન દ્વારા લોકો સરળતાથી તેમના વિસ્તારની વિવિધ સર્વિસિસ અંગેની વિશેની માહિતી મેળવી શકતા હતા.

Google Translator Toolkit: આ સર્વિસ દ્વારા ટ્રાન્સલેટર તેમના ટ્રાન્સલેટને એડિટ કરી શકતા હતા. ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા આ સર્વિસ કામ કરતી હતી. ગુગલે 4 ડિસેમ્બરે આ સેવા બંધ કરી દીધી છે.