જો તમે ભારતીય જીવન વીમા નિગમ (LIC) પાસેથી પૉલિસી લીધી છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. હકીકતમાં, LIC (Life Insurance Corporation of India)એ પૉલિસી ધારકોને જણાવ્યું છે કે જો તેઓ પોલીસ અંતર્ગત ચુકવણી જેવી કે ક્લેમ, લોન વગેરેની સેવા ઇચ્છો છો તો તમારું બેંક ખાતું વીમા પૉલિસી સાથે લિંક હોવું જરૂરી છે. આવું નહીં કરો તો તમારા પૈસા અટકી શકે છે. એવામાં જરૂરી છે કે તમે તમારા બેંક ખાતાને LIC પૉલિસી સાથે લિંક કરાવો. પહેલા LIC પૉલિસી ધારકોને ચેક મોકલીને ચુકવણી કરતી હતી, પરંતુ હવે LICએ આવું બંધ કરી દીધું છે. LIC હવે પૉલિસી સંબંધિત રકમની ચુકવણી સીધી જ પૉલિસી ધારકોના ખાતામાં કરે છે.

બેંક ખાતું લિંક કરાવવું જરૂરી

LICએ હવે પૉલિસી ધારકોના ખાતામાં સીધી ચુકવણી કરવાની શરૂઆત કરી છે. આથી તમે પણ જો તમારી પૉલિસી સાથે તમારું બેંક ખાતું લિંક નથી કરાવ્યું તો જરા પણ મોડું કરાવ્યા વગર પહેલા આ કામ કરી લો.

બેંક ખાતું લિંક કરવાની પ્રૉસેસ

LIC પૉલિસીને બેંક ખાતા સાથે જોડવાનું કામ ખૂબ જ સરળ છે. આ માટે તમારે તમારા બેંક ખાતાનો કેન્સલ થયેલો ચેક અથવા તમારી બેંકની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નજીકની LIC બ્રાંચમાં જમા કરાવવી પડશે. LIC ઑફિસમાં તમારે NEFT મેન્ડેટ ફૉર્મ ભરવું પડશે. આ ફૉર્મ સાથે તમારે કેન્સલ ચેક અથવા પાસબુકની કૉપી જોડવી પડશે. જેના એક અઠવાડિયા બાદ તમારી પૉલિસી બેંક ખાતા સાથે જોડાઈ જશે. જે બાદમાં LIC તરફથી મળતી તમામ રકમ સીધી બેંક ખાતામાં જ જમા થશે.

કોઈ ચાર્જ નહીં

LICનું કહેવું છે કે કોઈ પણ વધારાની ચુકવણી વગર ક્યાંયથી પણ સુરક્ષિત ચુકવણી કરી શકાય છે. તમામ ડિજિટલ ચુકવણી કોઈ પણ વધારાના ચાર્જ વગર ફ્રી રહેશે. ફ્રીમાં ઇ-સેવા માટે એલઆઈસીની વેબસાઈટ પર એલઆઈસીના ગ્રાહક પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો.