તમે ગુજરાતની પ્રસિદ્ધ ડિશ ઢોકળાનો સ્વાદ તો ચાખ્યો હશે. આ એક ખાસ ડિશ છે અને ખમણ, ઢોકળા ગુજરાતના ભોજનની શાન છે. તેના બનાવવા પણ સહેલા છે અને ટેસ્ટમાં બેસ્ટ હોય છે. પરંતુ ઘણા લોકો તેને ચણાના લોટ ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ તમને જણાવી દઇએ કે ચણાના લોટ વગર પણ તમે ખમણ બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચણાના લોટ વગર ખમણ…

સામગ્રી

1 કપ - તુવેરની દાળ (પલાળેલી)
1 કપ - ચણાની દાળ (પલાળેલી)
2 કપ - ચોખા (પલાળેલા)
1 કપ - દહીં
1 ચમચી - ખાંડ
2 નંગ - લીલા મરચા
1/2 ચમચી - અજમો
7-8 - લીમડો
1/2 ચમચી - હળદર
1 પેકેટ - ઇનો
1 નંગ - લીંબુ
1 ટૂકડો - આદુ
1 ચમચી - કોથમીર
જરૂરિયાત મુજબ - તેલ
સ્વાદાનુસાર - મીઠુ

બનાવવાની રીત

સૌ પ્રથમ તુવેર દાળ અને ચણાની દાળને 5 કલાક પાણીમાં પલાળી રાખો અને એક મિક્સરમાં પીસી લો. દાળની પેસ્ટને એક પ્લેટમાં નીકાળી લો અને ચોખાને પીસી લો. હવે દાળ-ચોખાની પેસ્ટને દહીં અને મીઠાને એકસાથે મિક્સ કરી લો અને તેને 4-5 કલાક અલગ રાખી લો. હવે તેમા મીઠું, હળદર, અજમો, અડધી ચમચી ખાંડ, લીલી કોથમીર, આદુ, લીલી મરચા, ઇનો અને તેલ ઉમેરીને મિક્સ કરી લો. મીડિયમ આંચ પર ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરવા રાખો. પાણી ગરમ થતા એક પ્લેટ પર તેલ લગાવીને ચીકણી કરી લો હવે તેમા તૈયાર ખીરૂ ઉમેરી લો. તે બાદ ઢાંકણ ઢાંકી લો. તેને 8-10 મિનિટ સુધી ચઢવા દો. તે બાદ ગેસની આંચ બંધ કરી લો.
હવે ધીમી આંચ પર એક પેનમાં તેલ ગરમ કરીને રાખો. તેલ ગરમ થાય એટલે તેમા રાઇ, લીલા મરચા અને લીમડો ઉમેરી લો. રાઇ તતડે એટલે તેમા પાણી, મીઠુ અને લીંબુનો રસ ઉમેરીને ઉકાળી લો. હવે ઢોકળાને કટ કરી લો. હવે તૈયાર વઘારને ખમણ ઉપર ફેલાવી દો. તૈયાર છે ટેસ્ટી ખમણ…